ચરોતરમાં હોળી પર્વની ઉજવણી
વિદ્યાનગર, નરસંડા સહિતના સ્થળોએ ગાયના છાણાની તૈયાર કરેલ વૈદિક હોળી પ્રગટાવી : ઉમરેઠના પંચવટી વિસ્તારમાં શ્રદ્વાળુઓ અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા
ફાગણ સુદ પુનમ, અહંકાર પર આસ્થાના વિજયના પ્રતિક સમાન હોળી પર્વની આણંદ, ખેડા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષ અનેક સ્થળોએ ગાયના છાણાના ઉપયોગ દ્વારા પર્યાવરણના જતન અર્થ વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી.
ઉમરેઠમાં પંચવટી વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ પરંપરાગત રીતે હોળીના અંગારા પર શ્રદ્વાળુઓ ખુલ્લા પગે ચાલ્યા હતા. હોળીના દર્શન અર્થ મોટી સંખ્યામાં ભાવિકજનો ઉમટયા હતા. ઉપરાંત શહેરના વાંટા, માતાની લીમડી વગેરે વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા હોળી પ્રગટાવવામાં આવી હતી.
વિદ્યાનગરમાં સ્ટ્રાઇકર પરિવાર દ્વારા ૧૧ હજાર છાણાંની હોળી તૈયાર કરવામાં આવી હતી. આણંદમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર નજીક યુવાઓ દ્વારા હોળી તૈયાર કરવા સાથે આસપાસમાં સુંદર રંગોળી તેમજ પર્વ ઉજવણીના આનંદનો સંદેશ વ્યકત કર્યો હતો. બોરસદ, પેટલાદ, ખંભાત સહિતના શહેરો, ગામોમાં હોળી પ્રાગટય કરીને સૌએ પ્રાર્થના કરવા સાથે પર્વની ઉજવણી કરી હતી.
ખેડા જિલ્લામાં નડિયાદ સહિતના સ્થળોએ પણ સંધ્યાકાળે પરંપરાનુસાર હોળી પ્રગટાવવામાં આવી હતી. નરસંડામાં ૩૩૦૦ કિલો ગાયના ગોબરમાંથી બનેલા છાણાંનો ઉપયોગ કરીને યુવાનો દ્વારા વૈદિક હોળી
તૈયાર કરાઇ હતી. જિલ્લાના ગામ,શહેરોમાં વિવિધ સ્થળોએ હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.