આંકલાવ : કસુંબાડની મહિલાનું ઓપરેશન બાદ મોત થતાં પરિવારજનોનો હોબાળો
તબીબની બેદરકારીથી મોત નિપજ્યાનો આક્ષેપ : પોલીસે પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી
બોરસદ તાલુકાનાના કસુંબાડ ગામમાં રહેતી ૨૭ વર્ષીય મહિલાનું કોથળીનું ઓપરેશન આંકલાવની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યા બાદ તેને સારવાર બાદ તબીબે ઘરે જવા માટે રજા આપી હતી. બાદમાં ઘરે ગયા બાદ મહિલાની તબિયત લથડી હતી. જેથી તેને રિક્ષામાં આંકલાવની ખાનગી હોસ્પિટલમાં લાવામાં આવી હતી જ્યાં તબીબે મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડયું હતું અને ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું છે તેવા આક્ષેપો કરી પરિવાર જનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને જ્યાં સુધી ન્યાન ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જોકે સમગ્ર મામલે આંકલાવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિવારને સમજાવ્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મોતનું સાચુ કારણ જાણવા માટે કરમસદની હોસ્પીટલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવા મોકલી આપ્યો હોવાનું જાણવા મળઅયું છે. મળતી વિગતો અનુસાર આંકલાવ શહેરની ખાનગી હોસ્પિટલમાં બોરસદના કસુંબાડની ૨૭ વર્ષીય મહિલા હેતલબેન કિરણભાઈ પઢીયારનું બુધવારે કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ. ઓપરેશન બાદ સારવાર કરી મહિલાને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેમણે ઘરે મોકલ્યાં હતા ત્યાં તેમની તબિયત લથડતા મહિલાને રિક્ષામાં આંકલાવ ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તબીબે મહિલાને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડયું હતું. તબીબે પરિણીતાને મૃત જાહેર કરતા પરિવારજનોએ તબીબની બેદરકરી હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ આંકલાવ પોલીસ મથકે કરાઇ હતી. જેથી પોલીસે હાલ આકસ્મિક મૃત્યુ નોંધી પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.સમગ્ર ઘટનામાં હોસ્પિટલના ડોક્ટર સંદીપ પટેલે જણાવ્યું હતું કે પેસેન્ટને અહીં લાવ્યા તે પહેલાં જ મૃત્યુ થયું હતું જેથી મેં તેમના પરિવારને પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ આમાં અમારી કોઈ બેદરકારી નથી.