અડાસ સીમમાં જન્ના-મન્નાના ચાલતા જુગારના અડ્ડા ઉપર SMCનો દરોડો
મુખ્ય સુત્રધાર ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજો રાજ સહિત ૬ શખ્સો રોકડા ૨.૩૩ લાખ, પાંચવાહનો, ૫ મોબાઈલ ફોન સાથે કુલ ૪.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમે ગઈકાલે સાંજના સુમારે આણંદ તાલુકાના અડાસ ગામની સીમમાં આવેલા બીપીનભાઈ પટેલના ખેતરની સામે આવેલી નળીની ખુલ્લી જગ્યામાં છાપો મારીને જન્ના-મન્નાનો હારજીતનો જુગાર રમતાં ૬ શખ્સોને ઝડપી પાડીને રોકડા ૨.૩૩ લાખ, પાંચ વાહનો અને પાંચ મોબાઈલ સાથે કુલ ૪.૨૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.
મળતી વિગતો અનુસાર એસએમસી પોલીસને ગઈકાલે સાંજના સુમારે માહિતી મળી હતી કે, અડાસ સીમમાં ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજાનો મોટાપાયે જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે.
જેથી પોલીસે છાપો મારતા જન્ના-મન્નાનો જુગાર રમતાં શખ્સોમાં નાશભાગ મચી જવા પામી હતી. પોલીસે કોર્ડન કરીને છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમના નામઠામ પુછતાં ગજેન્દ્રસિંહ ભાવસિંહ રાજ (અડાસ), વનરાજસિંહ ઉરઅફએ સંપત ચન્દ્રસિંહ રાજ (અડાસ), મોહનભાઈ કાભઈભાઈ ગામેચી (વાસદ), સંજયભાઈ કનુભાઈ ચૌહાણ (રામનગર), ભરતભાઈ દાનજીભાઈ વણકર (ગોત્રી, વડોદરા), લાખાભાઈ રામભાઈ પરમાર (ઈન્દ્રણજ, તા. માતર)ના હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસને પકડાયેલા આરોપીઓ તેમજ અંગજડતીમાંથી રોકડા ૨,૩૩,૫૪૦, ૩ એક્ટીવા, બે બાઈક તેમજ પાંચ મોબાઈલ ફોન સહિત કુલ ૪,૨૮,૦૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ વાસદ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક પોલીસની મીલીભગતથી ઉક્ત જુગારનો અડ્ડો છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ચાલી રહ્યો હતો અને આણંદ, નડીઆદ, વડોદરા, અમદાવાદ વગેરે શહેરોમાંથી પણ ખેલીઓ જુગાર રમવા આવતા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે છાપો મારીને અડ્ડાનો પર્દાફાશ કરતાં જ સ્થાનિક પોલીસ ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.