ઇટલી : અહીં વસવા ઇચ્છનારને રહેવા ઘર ઉપરાંત સરકાર આપશે ૯૩ લાખ રોકડા
ઇટલીના ત્રેનતિનો ગામમાં મોટાભાગના ઘરો વેરાન બન્યા છે, અહીં વસવાટ કરવા લાખોની કરાતી ઓફર
દુનિયામાં અનેક દેશોની સરકાર એ કારણોસર પરેશાન હોય છે કે દેશના કેટલાક વિસ્તારોમાં લોકો વસવાટ કરતા નથી. આ સ્થળોને માનવ વસ્તીથી ભરવા માટે લોકોને ઘર ઉપરાંત સામેથી લાખો રુપિયાની ઓફર કરવામાં આવતી હોય છે. જેમાં ઇટાલીનું એક ગામ હાલ ચર્ચામાં છે. અહીં વસવાટની ઇચ્છા ધરાવનારને રહેવા માટે ઘર ઉપરાંત ૯૩ લાખ રોકડા સરકાર તરફથી આપવામાં આવી રહ્યા છે.
જો કે વિશ્વમાં અનેક સ્થળો ખૂબ રમણીય હોય છે. પરંતુ અહીંની જનસંખ્યા ખૂબ ઓછી હોવાથી સરકારને અન્ય દેશોમાંથી લોકોને લોભામણી ઓફરો આપીને અહીં વસવાટ માટે બોલાવવા પડે છે. અનેક દેશોમાં ગામોના ગામ માનવ વસ્તી વિના વેરાન પડયાનું જોવા મળે છે. જેમાં ઇટાલી અને જાપાનમાં અનેક ગામોમાં અસંખ્ય ઘર હોવા છતાંયે એકપણ વ્યકિત વસવાટ કરતો ન હોવાની સ્થિતિ છે.
જેમાં સીએનએનના રિપોર્ટનુસાર ઇટાલીના ઉત્તરી પ્રાંત ત્રૈનતિનોમાં વસવાટ માટે લોકોને ઓફર કરવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે, અહીંયા વેરાન બનેલા ઘરમાં રહેવા માટે કોઇ આવે તો તેને ૧ લાખ ડોલર એટલે કે ભારતીય ચલણમાં ૯ર લાખ રોકડા આપવામાં આવશે. જેમાં ઘરના સમારકામ માટે ૭૪ લાખ અને ઘર ખરીદવા માટે ૧૮.પ લાખ આપવામાં આવશે.
જો કે સીધી રીતે જોઇએ તો અહીં વસવા ઇચ્છતા વ્યકિતને ઘર ખરીદવા અને સમારકામ માટેના નાણાં સરકાર ચૂકવશે. જો કે સાંભળવામાં લોભામણી લાગતી ઓફરની સાથે સરકારની એક વાત માનવાની શરત છે. જેમાં સરકાર પાસેથી નાણાં લીધા બાદ વ્યકિતએ અહીં ઓછામાં ઓછા દસ વર્ષ રહેવું પડશે. આ વાતનો ઇન્કાર કરનાર સરકાર પાસેથી લીધેલ રકમ પરત ચૂકવવી પડશે. સરકારની આ ઓફર ઇટાલીના નાગરિકો અને વિદેશોમાં વસેલા અન્ય લોકો માટે પણ છે. રિપોર્ટનુસાર આ જગ્યા ખૂબસુરત પર્વતોની વચ્ચે છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટે છે.