બાંધણીની કિશોરીને ભગાડી જઈને વારંવાર દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૨૦ વર્ષની કેદની સજા
-પોક્સોના જ ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા અજયભાઈ ભોઈએ પેરોલ પર છુટીને બાંધણીની કિશોરીને નિશાન બનાવી -વડોદરા જિલ્લાના ભમ્મરઘોડા ગામે લઈ જઈને ખેતરની ઓરડીની બહાર રાખીને તેણી ઉપર દુષ્કર્મ ગુજારાયું
અગાઉના કેસની સજા પુરી થયા બાદ ઉક્ત ગુનાની સજા ભોગવવાનો હુકમ
આરોપી અજય ભોઈને મહેળાવ પોલીસ મથકના પોક્સોના કેસમાં ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા પુરી થયા બાદ ઉક્ત પેટલાદ રૂરલના કેસમાં સ્પેશ્યલ પોક્સો કોર્ટે ફટકારેલી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.
બીએનએસની કલમ ૧૩૭ (૨)માં ૨ વર્ષની કેદની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા
કલમ ૮૭માં પાંચ વર્ષની કેદની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા
પોક્સો-૬માં ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૨૫ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા
કલમ ૬૪ (૨) (એમ), ૩૫૧ (૨), ૧૩, ૭૧માં અલગથી સજા અને દંડ કરાયો નહોતો.
ભોગ બનનારને ૫૦ હજાર રૂા. વળતર પેટે ચુકવવા હુકમ
ભોગ બનનારને વળતર માટેની યોજના ૨૦૧૯ના નિયમો મુજબ ૫૦ હજાર રૂપિયા વળતર પેટે ચુકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે માટે ચુકાદાની એક ખરી નકલ પેટલાદ રૂરલ પોલીસ મથકના તપાસ કરનાર અધિકારીને તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા, જિલ્લા ન્યાયાલય, આણંદને જાણ સારૂ મોકલી આપવાનો નિર્દેશ આપ્યો હતો. ભોગ બનનારને આ ગુનાના અનુસંધાને અગાઉ જો કોઈ વળતરની રકમ ચુકવવામાં આવી હોય તો તે રકમ આ વળતરની રકમમાંથી બાદ કરીને ચુકવી આપવાનું પણ જણાવ્યું હતુ.
આરોપી આવા પ્રકારના ગુનાઓ કરવાની માનસિકતા ધરાવે છે : જજ
જજ ઝંખનાબેન ત્રિવેદીએ આરોપી અજય ભોઈને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતા પોતાના ચુકાદામાં જણાવ્યું હતુ કે, આરોપી પોક્સો એક્ટના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો અને તે દરમ્યાન પેરોલ પર છુટીને ભોગ બનનારને ભગાડીને લઈ ગયા તેણીની સાથે દુષ્કર્મ ગુજાર્યાનું જણાઈ આવે છે. તે જોતા આરોપીને ઉપરોક્ત કાયદાની ગંભીરતા ન હોવાનું તથા ગુનો કરવાની માનસિકતા ધરાવતા હોવાનું જણાઈ આવે છે. તેવા સંજોગોમાં ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમા રાખીને વધુમા વધુ સજા કરવી યોગ્ય અને ન્યાયોચિત જણાઈ આવે છે.
પેટલાદ તાલુકાના બાંધણી ગામે રહેતી એક કિશોરીને ૯ મહિના પહેલા બોરીયા અગાસ સ્ટેશનેથી દવા પીને મરી જવાની ધમકી આપીને ભગાડીને વડોદરા જીલ્લાના ભમ્મરઘોડા ગામે લઈ જઈને ત્યાં તેણી ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં પોકસો ઉપર પેરોલ પર છુટેલા શખ્સને પેટલાદની સ્પેશ્યલ પોક્સો કોર્ટે તકશીરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા સંભળાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર બાંધણી ગામે રહેતા અજયભાઈ જયંતિભાઈ ભોઈને મહેળાવ પોલીસ મથકે દાખલ થયેલા એક પોક્સોના કેસમાં આણંદની સ્પેશ્યલ પોક્સો કોર્ટે તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી હતી. જેથી તેને વડોદરાની મધ્યસ્થ જેલમા મોકલી આપવામાં આવ્યો હતો. ત્યાંથી તારીખ ૧૫-૭-૨૪ના રોજ દિન ૭ની જામીન રજા ઉપર મુક્ત થયો હતો. તેને તારીખ ૨૩-૭-૨૪ના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતુ પરંતુ તે હાજર થયો નહોતો અને તારીખ ૩૧-૭-૨૪ના રોજ બાંધણી ગામે રહેતી એક ૧૫ વર્ષ, ૭ મહિના અને ૨૩ દિવસની ઉંમર ધરાવતી કિશોરીને અગાસ બોરીયા સ્ટેશનેથી દવા પીને મરી જવાની ધમકી આપીને ભગાડીને આણંદના બસસ્ટેન્ડે આવ્યો હતો.અને ત્યાંથી બસ મારફતે વડોદરા જીલ્લાના ભમ્મરઘોડા ગામે લઈ ગયો હતો. જ્યાં મેલડી માતાજીના મંદિર પાછળ આવેલા મિત્રના ખેતરની ઓરડીની બહાર રાખીને તેણીની ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતુ.
આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તેની તારીખ ૭-૮-૨૪ના રોજ ધરપકડ કરી હતી અને તપાસ પુર્ણ કર્યા બાદ પુરતા પુરાવા મળી આવતાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ.
આ કેસ પેટલાદના ત્રીજા અધિક સેસન્સ જજ અને સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત સરકારી વકિલ જે. એચ. રાઠોડે દલિલો કરતાં જણાવ્યું હતુ કે, આરોપી અજય ભોઈ કિશોરીને ભગાડીને ભમ્મરઘોડા લઈ ગયો હતો અને ત્યાં તેણી ઉપર એકથી વધુ વધુ દુષ્કર્મ ગુજાર્યું છે. જે ભોગ બનનાર તેમજ સાહેદોની જુબાની અને રજુ થયેલા દસ્તાવેજી તેમજ મેડીકલ પુરાવાઓ પરથી ફલિત થાય છે. આરોપીને અગાઉ પણ આ જ પ્રકારના ગુના સંદર્ભે કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી હતી અને પેરોલ પર છુટ્યા બાદ ફરીથી તેણે પોતાના ગામની જ કિશોરી ઉપર દુષ્કર્મ ગુજાર્યું છે. જેથી ગુનાની ગંભીરતા વધી જાય છે. સમાજમાં આ પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધ્યું હોય ત્યારે કાયદામાં પ્રસ્થાપિત મહત્તમ સજા કરવા માટે અપીલ કરી હતી. તેઓએ પોતાના કેસના સમર્થનમાં ૯ સાક્ષીઓ તપાસ્યા હતા અને ૩૯ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા.
જજ ઝંખનાબેન ત્રિવેદીએ સરકારી વકિલની દલિલોને ગ્રાહ્ય રાખીને આરોપી અજય ભોઈને તકશીરવાર ઠેરવીને કુલ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૩૫ હજાર રૂપિયાનો દંડ, જો દંડ ના ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.