ખેડા : રસિકપુરાની પરિણીતાને તલાટી પતિ સહિત ૭ વ્યક્તિઓએ ત્રાસ ગુજારતા ફરિયાદ
છુટાછેડા આપી દેવા માટે અવાર-નવાર દબાણ કરતા આખરે ફરિયાદ
ખેડા તાલુકાના રસિકપુરા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી પરિણીતાને પતિ, સાસુ, સસરા સહિતના સાત વ્યક્તિઓએ ત્રાસ ગુજારતા આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી માહિતી મુજબ ખેડાના રસીકપુરા ગામે સરકારી દવાખાનાના ક્વોર્ટસમા રહેતી અને હેલ્થ વર્કર તરીકે કામ કરતી ૩૫ વર્ષિય રમીલાબેન ધર્મેશભાઈ સોલંકી લગ્ન આજથી ૬ વર્ષ અગાઉ સમાજના રીતી રીવાજ અમદાવાદ તાલુકાના કેલીયા વાસણામાં રહેતા ધર્મેશભાઈ સોલંકી સાથે લગ્ન થયા હતા.
પતિ તલાટીની નોકરી કરે છે અને શરૃઆતનું લગ્ન જીવન સારી રીતે પસાર થતાં પરીણિતાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મ બાદ પતિ, સાસુ, સસરા ઘરમાં નાની નાની વાતોમાં બોલાચાલી કરતા હતા. શ્રીમંત સમયે કાઈ વસ્તુઓ આપી નથી તેમ કહી મહેણાંટોણા મારતા હતા. આમ છતાં પરીણિતા તમામ ત્રાસ સહન કરી રહેતી હતી.
વર્ષ ૨૦૨૦મા પરીણિતા પોતાની નોકરી પર હતી ત્યારે તેની જાણ બહાર સાસરીના લોકો ઘરનો તમામ સરસામાન લઈને પોતાના મુળ ગામે જતા રહ્યા હતા. આ વાતની જાણ પરીણિતાને થતાં તેણીએ પોતાના પતિને ફોન કરતાં પતિએ જણાવેલ કે, અમે સામાન ભરીને જતા રહીએ છીએ તારે હવે જ્યાં જવું હોય ત્યાં જજે, જોકે આબાદ સમાજના આગેવાનોએ વચ્ચે પડી આ ઉપસ્થિત પરિસ્થિતિનો નિકાલ કરવા પ્રયાસ કરતા પરીણિતાના સસરાએ કહ્યું કે, હવે અમારા દીકરાના અન્ય જગ્યાએ સંબંધ કરીએ છીએ, તારે આવવુ હોય તો આવજે, મારા પુત્રને છુટુ આપી દે તેમ કહ્યું હતું. જોકે આ બાદ પરીણિતા રસીકપુરા ગામે એકલી પોતાના સંતાન સાથે રહેતી હતી. અને આ બાબતે પીડીતાએ ધોળકા કોર્ટમાં ખાધાખોરાકી અને છૂટાછેડાનો કેસ કરેલો હતો. હાલ આ બંને કેસો ચાલુ છે.
દરમિયાન પીડીતાના પતિ, દિયર, સાસુ, બે કાકા સસરા અને નણંદ તમામ લોકો પીડીતા જે સરકારી ક્વોટર્સમા રહેતી ત્યાં આવી બહાર વાહનના હોર્ન મારી કહેતા હતા કે, તે અમારી સામે કોર્ટમાં કેસ કર્યો છે તો પણ અમારું કંઈ બગાડી શકતી નથી તો હવે શું કરી લઈશ તેમ કહી છુટાછેડા આપવા દબાણ કર્યું હતું. પતિ, દિયર પણ રસ્તામાં પીડીતા સાથે આ બાબતે ઝઘડો કરતા હતા.
૨૦ એપ્રિલના રોજ આ બાબતે ઉપરોક્ત તમામ સાસરીયાઓએ ક્વોટર્સમા આવી છુટાછેડા આપી દેવા દબાણ કરી ઝઘડો કર્યો હતો. આથી ત્રસ્ત બનેલ રમીલાબેન એ પોતાના પતિ, ધર્મેશભાઈ તેમજ સાસરીયા દિપકભાઈ કલ્યાણભાઈ સોલંકી, ચંદનબેન દિપકભાઈ સોલંકી, વિશાલભાઈ કાંતીભાઈ સોલંકી, કાંતીભાઈ કલ્યાણભાઈ સોલંકી, મહેશભાઈ મણીભાઈ સોલંકી, જયશ્રીબેન કાંતીભાઈ સોલંકીવિરુદ્ધ આજે ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.