તારાપુર : પચેગામની ઓરડીમાં છુપાવેલી વિદેશી દારૂ-બીયરની ૭૨ પેટી સાથે શખ્સ ઝડપાયો
ગામના પૃથ્વીરાજસિંહ ભરતસિંહ જાદવ અને તેના ભાઈ દિવ્યરાજસિંહે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હતો
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે સાંજના સુમારે તારાપુર તાલુકાના પચેગામના વણકરવાસમાં છાપો મારીને એક ઓરડીમાં છુપાવી રાખેલો વિદેશી દારૂ-બીયરની ૭૨ પેટી સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે મુખ્ય સુત્રધાર બે ભાઈઓ ફરાર થઈ જતાં તેમને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસને માહિતી મળી હતી કે, પચેગામ ખાતે રહેતા પૃથ્વીરાજસિંહ ભરતસિંહ જાદવ અને તેનો ભાઈ દિવ્યરાજસિંહ વિદેશી દારૂનું મોટાપાયે કટીંગ કરે છે અને હાલમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવીને વણકરવાસમાં રહેતા બાબુભાઈ ઉર્ફે બોબડો અમરાભાઈ વણકરના મકાનની પાછળ આવેલી ઓરડીમાં સંતાડી રાખે છે. જેથી પોલીસે છાપો મારતાં બાબુભાઈ ઉર્ફે બોબડો ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે ઓરડીમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂ-બીયરની કુલ ૭૨ પેટી મળી આવી હતી. જેની કુલ કિંમત ૬,૦૦,૨૩૭ રૂપિયા જેટલી થવા જાય છે.
પોલીસે પકડાયેલા શખ્સની પુછપરછ કરતા ઉક્ત વિદેશી દારૂનો જથ્થો પૃથ્વિરાજસિંહ અને તેના ભાઈ દિવ્યરાજસિંહે ઉતાર્યો હતો અને વિદેશી દારૂ રાખવા બદલ તેને દર મહિને પાંચ હજાર રૂપિયા ચુકવતા હતા.
જેથી પૈસાની લાલચમાં તેણે ઓરડી ભાડેથી આપી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ઉક્ત મુદ્દામાલ જપ્ત કરીને તારાપુર પોલીસ મથકે ફરાર થઈ ગયેલા બન્ને ભાઈઓ સહિત ત્રણ ગુનો દાખલ કરાવ્યો હતો.