નડિયાદમાં જુના કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ લાલ કોર્ટના તાળા તોડી ચોરીનો પ્રયાસ
તમામ રેકોર્ડ સલામત, તસ્કરોની મોટો ડલ્લો હાથ લાગશે તેવા હેતુથી ચોરીના પ્રયાસની શક્યતા
કપડવંજમાં પોલીસ લાઈનમાં ચોરી કરવાના બનાવ બાદ તસ્કરોએ નડિયાદ કોર્ટને નિશાનો બનાવી છે. જુના કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલી લાલ કોર્ટમાં તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવા બાબતની ફરિયાદ નડિયાદ પોલીસમાં નોંધાઈ છે. જો કે અહીંયા તમામ રેકોર્ડ સહી સલામત હોવાનું બહાર આવ્યું છે. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર નડિયાદ શહેરના કપડવંજ રોડ પર જૂની ડિસ્ટ્રક્ટિ કોર્ટ આવેલી છે. આ કોર્ટના કેમ્પસમાં લાલ કોર્ટ આવેલી છે. જેમાં આવેલ રૂમોમાં રેકર્ડ મુકવામાં આવ્યા છે. ગતરોજ કેસની ટીપ્પણી લઈને નડિયાદ ટાઉન પોલીસ અને પશ્ચિમ પોલીસના કેશવોચે નડિયાદ સિવિલ કોર્ટમાં નાઝર પાસેથી ચાવી મેળવી લાલ કોર્ટ ખોલવા જતાં જ આગળ લોખંડની જાળી મારેલ તાળું તૂટેલી હાલતમાં જોયું હતું. જે બાદ અંહીયા આવેલી રૂમમાં તપાસ કરતા સરકારી વકીલની ઓફિસમાં તિજોરી ખુલ્લી હાલતમાં હતી અને રેકર્ડ અસ્તવ્યસ્ત હાલતમાં પડેલ હતા.
જેથી બનાવની જાણ અહીંયા દેખરેખ રાખતા નાઝરને કરવામાં આવી હતી. નાઝર ફીરોજભાઈ ધનજીભાઈના મતે ૧૮ એપ્રિલથી ૨૨ એપ્રિલના વચ્ચે આ ચોરીનો પ્રયાસ થયો છે.સરસામાન કે ત્યાં કોઈ ચીજવસ્તુઓની ચોરી થઈ નથી કે રેકોર્ડની પણ ચોરી થઈ ન હોવાનું તપાસમાં જણાયું હતું. તસ્કરોએ માત્ર અહીંયા ચોરીનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ મુખ્ય સિનિયર સિવિલ જજને જાણ કરતા તેમણે આ બનાવ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સંમતિ આપતા નાઝર તરીકે ફરજ બજાવતા ફીરોજભાઈએ અજાણ્યા તસ્કરો સામે નડિયાદ ટાઈન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.