સેમકોમ કોલેજ ખાતે ‘રાઈઝ ઓફ વુમન એત્રે પ્રેન્યોરશીપ ઈન ઈ-કોમર્સ એરા’ ઈ-બિઝ સમીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જવેલ કન્ઝયુમર કેરના મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોરડીયાએ તેમનું વક્તવ્ય આપ્યું હતું. જ્યારે ચાવીરૂપ વક્તા તરીકે આઈસીઈસીડી અમદાવાદના ડો. હીના શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અન્ય વક્તા તરીકે રૂરલ વુમન એત્રેપ્રેન્યોર મીસ માલતીબેન ચૌધરીએ હાજરી આપી હતી. તેઓને ડેરી ફાર્મિંગના નવીનીકરણ કે જે સૌથી વધુ દૂધ ઉત્પાદન તરફ દોરી જાય તે માટે ઘણા પુરસ્કાર આપવામાં આવ્યા છે.
અન્ય જાણીતા વક્તા તરીકે કોમેડી ફેક્ટરી શોધક અને સ્થાપના મિસ વિદ્યા દેસાઈ અને એનસો એડવર્ડટાઈઝિંગના શોધક અને સ્થાપક મિસ હિના શાહે તેઓના અનુભવોનું વર્ણન કરી વિદ્યાર્થીઓને ખાસ કરી વિદ્યાર્થિનીઓને ઉદ્યોગસાહસિક બનવાની રાહ પર પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમના દરેક વક્તાએ મહિલા ઉદ્યોગ સાહસિકને વિવિધ ક્ષેત્રો જેવા કે ઉત્પાદનની ઓળખ, વ્યવસાય સ્થાપવા, નાણાકીય બાબતો, કામગીરી, સંચાલન અને તેમના વ્યવસાયમાં ઈ કોમર્સનો ઉપયોગ, નૈતિકતા, મહેનત જેવી બાબતોના મુદ્દાઓ ઉપર વિદ્યાર્થીઓને ઘણી ગહન માહિતી પૂરી પાડી હતી. સાથે સાથે ઈ-કોમર્સ યુગમાં સફળ સાહસિકો બનવા માટે ઈ-પોર્ટલની માહિતી હોવી પણ મહત્ત્વની છે તેમ જણાવ્યું હતું.